Terms and Conditions / નિયમો અને શરતો

(અ) સત્તામંડળને સંપ્રાપ્ત પ્લોટોને ઉપયોગ કરવા આપવા અંગેની શરતો:-

૧.            મળેલ મંજૂરી ની વિગત, હુકમ ક્રમાંક, સમયગાળો તથા વપરાશ હેતુ વગેરેનું વિગત દર્શાવતુ, બોર્ડ નરી આંખે જાહેર જનતા જોઇ શકે તે રીતે પ્રદર્શિત કરવાનું રહેશે.  

૨.            પ્લોટ જે સ્થિતીમાં છે તે જ સ્થિતીમાં ખુલ્લો વાપરવા આપવામાં આવશે તથા વપરાશનો સમય પુરો થયેથી સાફ –સફાઇ કરી મુળ સ્થિતી મુજબ પરત આપવાનો રહેશે. 

૩.            પ્લોટની સાફ-સફાઇ, પાણી, વિજળી સહિતની અન્ય પ્રકારની તમામ સુવિધાઓ અરજદારે પોતે પોતાના ખર્ચે અને જોખમે કરવાની રહેશે. 

૪.            પ્લોટની અંદર કોઇ પણ પ્રકારનું પરમેનન્ટ (કાયમી) સ્ટ્ર્કચર ઉભું કરી શકાશે નહીં. 

૫.            પ્લોટની મિલ્કત જેવી કે, કમ્પાઉન્ડવોલ, વાયર ફેન્સીંગ કે અંદર આવેલ કોઇ પણ સ્ટ્ર્કચર (બાંધકામ) ને કોઇ પણ જાતનું નુકશાન થયુ હશે તો તેને મૂળ સ્થિતીમાં લાવવા માટે જે ખર્ચ થાય તે તમામ ખર્ચ ભરેલ ડીપોઝીટમાંથી વસુલ લેવામાં આવશે.

૬.            પ્લોટના ઉપયોગ માટે પોલીસ વિભાગ, કલેક્ટરશ્રીની કચેરી, ફાયર બ્રિગેડ, લાઇટ, હેલ્થ કે અન્ય જરૂરી હોય તે તમામ પ્રકારના લાયસન્સ/ પરવાનગી અરજદારે પોતે સ્વખર્ચે અચુક મેળવી લેવાના રહેશે. જે તે વિભાગના લાયસન્સ/ પરવાનગી   વિના ઉપયોગ કરનાર વ્યક્તિ સામે જે તે ઓથોરીટી કાયદેસર કાર્યવાહી કરી શકશે અને તે અંગે સત્તામંડળની કોઇ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. ખાસ કિસ્સામાં સરકારી વિભાગ જેવા કે એક્ઝીક્યુટીવ એન્જીનિયરશ્રી, આર. એન્ડ બી વગેરે ની મંજૂરી લેવાની જરૂરી હશે તે અચુક મેળવી લેવાનો રહેશે.

૭.            પ્લોટનો ઉપયોગ પ્લોટ લેનાર વ્યકિત/અરજદારે જ કરવાનો રહેશે તથા જે ઉપયોગ માટે પ્લોટ માંગેલ હોય તે જ ઉપયોગ કરવાનો રહેશે તથા પ્લોટ અન્ય કોઇ વ્યક્તિ/ સંસ્થાને પેટા ભાટેથી કે અન્ય રીતે આપી શકાશે નહીં. જો આવી હરકત માલુમ પડશે તો સત્તામંડળ નિયત ભાડુ ઉપરાંત પ્રતિ દિવસ રૂ.૧૦,૦૦૦/- દંડ તરીકે વસુલ કરશે અને અરજદાર તે આપવા બંધાયેલ રહેશે.

૮.            સદરહુ જમીન પૈકી ૧૩૬૨ ચો.મી. જમીનનો ઉપયોગ વાહન પાર્કિગ માટે જ કરવાનો રહેશે. તથા પાર્કિગ માટે કોઇ પણ રીતે, કોઇ પણ પ્રકારે અલગ થી કોઇ ચાર્જ ઉઘરાવી શકાશે નહી કે વસૂલી શકાશે નહી. તથા વાહન પાર્કિંગ મુલાકાતીઓ માટે સરળતા રહે તે માટે સ્થળે જરૂરી સંખ્યામાં અને સાઇઝ માં દૂરથી નરી આંખે દેખાય તેવા પ્રકારના બોર્ડ/ સાઇનેઝ વગેરેની સુયોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. 

૯.            સ્થળે આવનાર મુલાકાતીઓના વાહન પાર્કિંગની વ્યવસ્થા અરજદાર/સંસ્થાએ  પ્લોટની અંદર જ કરવાની રહેશે અને તેમના વાહનો રોડ ઉપર કે બીજી કોઇ જગ્યાએ પાર્ક ન થાય તે અંગેની જવાબદારી અરજદાર/સંસ્થાની રહેશે. અને આ બાબતનું ચુસ્તપણે પાલન થાય તે માટે જરૂરી સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા અરજદારે કરવાની રહેશે.

૧૦.         સદરહુ ઉપયોગ માટે સુચિત સમયગાળા પુરતુ વીજ કનેકશનની જરૂર હોય તો અરજદારે સ્વખર્ચે અને જોખમે પોતાની મેળે કનેક્શન મેળવવાનું રહેશે. તે બાબતે જે તે વીજ સંસ્થા તરફથી નવું કામચલાઉ વીજ કનેક્શન આપવામાં આવે તો સત્તામંડળને વાંધા સરખુ નથી. તે અંગે વીજ સંસ્થાના જે કોઈ બાકી કોઇપણ લ્હેણાં નાણાં હશે તે અંગેની સત્તામંડળની કોઇ જવાબદારી રહેશે નહી. 

૧૧.         પ્લોટના વપરાશ દરમ્યાન જરૂરી સુંરક્ષા અને સલામતી ની વ્યવસ્થા જરૂરી હોય તે તમામ કરવાની રહેશે તથા પ્લોટ વપરાશના દિવસો દરમ્યાન વીજળી કરંટ, અકસ્માત, પુર, વરસાદ, વાવાઝોડા, આગ, લુંટફાટ કે ધક્કામુક્કી, નાશ ભાગ, કુદરતી હોનારત અથવા તો અન્ય કોઇ પણ પ્રકારે જાનહાનિ કે કોઇ પણ પ્રકારનું નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્લોટ વાપરવા લેનાર અરજદારની રહેશે. આ અંગે સત્તામંડળની કોઇ પણ જવાબદારી રહેશે નહીં કે થશે નહીં.

૧૨.       સદરહુ સમયગાળા દરમ્યાન સત્તામંડળને જરૂર પડયે થી અધવચ્ચેથી પ્લોટ પરત લઇ શકશે અને તે કોઇ વાદવિવાદ કે તકરાર કરી શકશે નહી અને તે અંગે મુખ્ય કારોબારીશ્રીનો નિર્ણય આખરી બંધન કર્તા રહેશે.  

૧૩.         સદરહુ વપરાશ સમય દરમ્યાન કોઇ પ્રકારનું પ્રદુષણ કે ઘોંઘાટ કે આજુબાજુના લોકોને તકલીફ/પરેશાની થાય તે પ્રકારની કોઇ પણ પ્રકારની પ્રવૃતિ કરી શકાશે નહી.

૧૪.         પ્રવર્તમાન કાયદા દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં. 

૧૫.         જે હેતુ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવેલ હોય તે સિવાયના પ્લોટનો અનધિકૃત વપરાશ કે ઉપયોગ ધ્યાને આવવાના કિસ્સામાં ફાળવણી રદ કરવામાં આવશે અને મંજુર થયેલ સમયમર્યાદાથી વધારાના વપરાશ માટે વાણિજ્યિક હેતુ (અનુક્રમ નં.૧)ના ભાડાના દર કરતા ૧.૫ ગણા દરે ભાડુ વસુલવામાં આવશે. સત્તામંડળની પૂર્વમંજુરી સિવાય અનધિકૃત વપરાશ માટે વાણિજ્યિક હેતુના દર કરતા બમણાં દરે ભાડાની વસુલાત કરવામાં આવશે. આ બાબતે સત્તામંડળનો નિર્ણય આખરી અને બંધન કર્તા રહેશે. 

૧૬.         ઉપરોક્ત મુદ્દે કોઇ પણ કોર્ટકેસ, પોલીસ કેસ કે અન્ય સત્તા ક્ષેત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમાં અરજદારે પોતે- પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. આ સંદર્ભે સત્તામંડળની કોઇ જવાબદારી રહેશે નહીં કે થશે નહીં. 

૧૭.         સદરહુ વપરાશ અન્વયે જે કોઇ પ્રશ્ન ઉદ્દભવે તથા વાદવિવાદ થાય કે અર્થઘટન વગેરે બાબતે  મા.મુખ્ય કારોબારી અધિકારીશ્રી સત્તામંડળનો નિર્ણય આખરી ગણાશે અને તે બંધનકર્તા રહેશે.

૧૮.         કોઇપણ કારણસર કે શરતભંગ બદલ કે કોઇ પણ ફરીયાદના અનુસંધાને સત્તામંડળ જરૂરી તપાસ કરી, જરૂર જણાશે તો નોટીસ આપી, વપરાશ માટે આપેલ પરવાનો રદ કરી શકશે અને પ્લોટનો અધ વચ્ચેથી કબજો પરત મેળવી શકશે જે અંગે સત્તામંડળ પાસેથી કોઇ પણ પ્રકારનું નુકશાન માંગી શકાશે નહીં પરંતુ સત્તામંડળને કોઇ પણ ખર્ચ થશે તે વસુલ કરી શકશે. સદર બાબતે સત્તામંડળનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે. 

૧૯.         કોઈપણ કાનુની વિવાદો તથા કોર્ટ કેસો માટે ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.

 

નોંધ પર માન. મુ.કા.અ.શ્રી ની મંજુરી મળેલ છે.

એસ્ટેટ અધિકારી

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ

અમદાવાદ